૧ ઓગસ્ટ, ૧૯૪૭..શુક્રવાર પૂર્ણિમા, અધિક શ્રાવણ, વિક્રમ સંવત ૨૦૦૩

– ૧૯૩૫ માં વિશાળ કાશ્મીર રાજ્યમાંથી જે ગિલગીટ ભૂભાગ છૂટો કરી, મહારાજા પાસેથી છીનવી લઇને ગિલગીટ એજન્સી બનાવી બ્રિટિશ હુકુમત તળે લાવ્યા હતા, તે ભૂભાગ મહારાજાને પરત કર્યો…કારણ અંગ્રેજોને હવે તેમાં કોઈ રસ ન હતો…મહારાજા પણ તૈયાર ન હતા…આખી મુસલમાન ફૌજ તેમના અધિપત્ય હેઠળ આવી… આ જ ‘ગિલગીટ સ્કાઉટ’ નામની ફૌજે આગળ જતાં ચાર ઓક્ટોબરે ગદ્દારી કરી.

– નેતાજી સુભાષચંદ્રબોઝના મોટાભાઈ શરદચંદ્ર બોઝનું કોંગ્રેસમાંથી રાજીનામું…ચાલીસ વર્ષ કોંગ્રેસમાં રહીને પ્રામાણિકતા અને પ્રાણ હાથમાં લઈને ચાલનારા નિષ્ઠાવાન કાર્યકર્તા એવા શરદબાબુએ દેશ વિભાજન અને સીમાંત હિંદુઓની દારુણ પરિસ્થિતિ માટે નહેરુને જવાબદાર ગણાવી પક્ષ છોડ્યો… આ મત નિર્ભય રીતે લોકો સમક્ષ મુકવા તે જ દિવસે “સોશિયાલીસ્ટ રિપબ્લિકન આર્મી” નામના પક્ષની સ્થાપના કરી..

– મહાત્મા ગાંધીજી રાવલપિંડીના રસ્તે થઈ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે અને આ સંપૂર્ણ પ્રવાસ દરમ્યાન નેશનલ કોન્ફરન્સના પાંચ માણસો એમની આજુબાજુ રહેતા હતા.