૩ ઓગસ્ટ, ૧૯૪૭.રવિવાર.

– રાવલપિંડીના રસ્તેથી ચાલેલા શ્રીનગર પ્રવાસમાં મ. ગાંધીજીએ સવારે ૧૧ વાગે ગુલાબ ભવન રાજમહેલમાં પ્રવેશ કર્યો. આગતા-સ્વાગતામાં કોઈ કસર ન હતી…ઘણી વાતચીત થઈ પણ તેમાં ગાંધીજીએ મહારાજા હરિસિંહને “ભારતમાં જોડાઈ જાઓ” એવું કહ્યું નહીં…આ મુલાકાત બાદ નહેરૂજીનો કાશ્મીર એજન્ડા કાર્યાન્વિત થયો.

– દસ ઓગષ્ટે મહારાજાના વિશ્વાસપાત્ર અને નેહરુજીને જેલમાં નાખનાર કાશ્મીરના દિવાન રામચંદ્ર કાકને મહારાજે પોતાની સેવામાંથી મુક્ત કર્યા અને નેહરુજીના ખાસ મિત્ર અને કાશ્મીર વિરોધી પ્રવૃત્તિઓ બદલ ૧૫ મે,૧૯૪૬ થી જેલ ભોગવી રહેલા શેખ અબ્દુલ્લાને ૨૯ સપ્ટેમ્બરે મુક્ત કર્યા… જો આ બન્ને માંગણી સામે મહારાજાને ભારતમાં જોડાઈ જવાની થોડી વિનંતી કરી હોત તો કાશ્મીરનું ૧૯૪૭માં જ વિલીનીકરણ થઈ ગયું હોત ! અને આજે પણ માથાના દુઃખાવો બની રહેલો કાશ્મીરનો પ્રશ્ન રહ્યો જ ના હોત !

– બપોરે ચાર વાગે નેહરુજીના “યોર્ક હાઉસ”માંથી એક પ્રેસનોટ બહાર પડાઈ…સ્વતંત્ર ભારતનું પહેલું મંત્રીમંડળ ! ૧. સરદાર પટેલ, ૨. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ૩. જગજીવનરામ, ૪. સી. એચ. ભાભા, ૫. ડૉ. આંબેડકર, ૬. ષન્મુખમ ચેટ્ટી, ૭. મૌલાના અબ્દુલ કલામ, ૮. ડૉ. જોન મથાઈ, ૯. સરદાર બલદેવસિંહ, ૧૦. રાજકુમારી અમૃતકૌર, ૧૧. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને ૧૨. નરહરિ વિષ્ણુ ગાડગીલ.

– વડાપ્રધાન એટલીએ નિર્ભય, નિષ્પક્ષ, તટસ્થ ન્યાયાધીશ એવા સિરીલ રેડકલીફને વિભાજનની યોજના પાર પાડવા મોકલ્યા હતા. જેઓને ભારત વિશે કશી જ માહિતી ન હતી. માઉન્ટ બેટનને વિભાજન રેખા નિશ્ચિત કરવા આવી જ વ્યક્તિની આવશ્યકતા હતી. આજે તેઓનું કામ પૂર્ણ થવાને આરે હતું. પણ ૧૭ ઓગષ્ટે વિભાજન રેખા જાહેર કરવામાં આવી !

– શ્રીનગર મુકામનો મ.ગાંધીજીનો છેલ્લો દિવસ, જેલમાં રહેલ શેખ અબ્દુલ્લાના પત્ની બેગમ અકબર જહાંના વૈભવી ઘરમાં રાજવી ઠાઠભરી મેજબાનીમાં ગાંધીજી સંપૂર્ણ સમય હાજર રહ્યા…

સંદર્ભ પુસ્તક : તે પંદર દિવસ.

ISBN : 978-81-945469-4-8