*પુસ્તક પરિચય*
પુસ્તકનું નામ : આપણે અને આપણું બંધારણ.
લેખક : શ્રી રમેશ પતંગે
પ્રકાશક : ભારતીય વિચાર મંચ.
મૂલ્ય : રૂ.૧૫૦.
અનુવાદ : સુશ્રી સુધા કરંજગાંવકર.
પાંચજન્ય નચિકેતા પુરસ્કાર પ્રાપ્ત એવા શ્રી રમેશ પતંગે દ્વારા લિખિત અને સુશ્રી સુધા કરંજગાંવકર દ્વારા અનુવાદિત પુસ્તક, ‘આપણે અને આપણું બંધારણ’, ભારતીય વિચાર મંચ દ્વારા મકરસંક્રાંતિ, યુગાબ્દ ૫૧૨૦ ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યું.
સામાજિક ક્ષેત્રે વિભિન્ન જવાબદારીઓ વહન કર્યા બાદ હાલમાં શ્રી રમેશ પતંગેજી ‘હિન્દુસ્તાન પ્રકાશન સંસ્થા’ના સદસ્ય, ‘સેન્સર બોર્ડ’ના સદસ્ય અને ‘રાજા રામમોહનરાય ગ્રંથાલય’ના સદસ્ય જેવી જવાબદારીઓ વહન કરે છે. તેઓના સિદ્ધહસ્ત લેખન થકી ૧૬ પ્રકરણમાં સમાહિત આ પુસ્તક, ભારતના સામાન્ય નાગરિકને ખૂબ જ સરળ ભાષામાં ભારતીય બંધારણની સમજ પૂરી પાડે છે.
રાજ્ય સંચાલન જે માટે આધાર સ્તંભ છે, ૧૯૪૯માં અસ્તિત્વમાં આવ્યું અને જે આપણને વારંવાર યાદ પણ કરાવાય છે, સમાજની વિવિધ પ્રવૃત્તિઓને જે નિયંત્રિત કરે છે તથા દિશાદર્શક હોકાયંત્ર જેવું કાર્ય પણ કરે છે, જેને વફાદાર રહેવાના આપણે સોગંદ લીધા છે… આપણા એવા બંધારણ વિશે આપણે ભારતના લોકો શું જાણીએ છીએ ? આ પ્રશ્નનો ઉત્તર, લેખકશ્રીના સંનિષ્ઠ અને સાર્થક પ્રયત્નના પરિણામે આ પુસ્તક પૂરું પાડે છે.
સર્વ સામાન્ય માણસના જીવનમાં ડગલેને પગલે રાષ્ટ્રના બંધારણનો પ્રભાવ રહેતો હોય છે. તેની સમજ સરળતાથી અને વ્યવહારુ ભાષામાં ઉપલબ્ધ થાય તેવા પરિશ્રમસભર પ્રયાસના પરિપાકરૂપે તૈયાર થયેલ આ પુસ્તકમાં વિશ્વભરનાં અનેક બંધારણો, બંધારણ નિષ્ણાતોને ટાંકીને તેની નાનામાં નાની વાતોને પણ વાચકો સમક્ષ ઉજાગર કરી છે.
ભારતના દરેક નાગરિકને જે જાણવાની હંમેશાં જિજ્ઞાસા રહેતી હોય છે તેવા નિમ્નલિખિત મુદ્દાઓનો પુસ્તકમાં સમાવેશ કરાયો છે.
– બંધારણ ની જરૂર શા માટે ?
– આપણું બંધારણ રાષ્ટ્રની આધારશીલા.
– બંધારણ અને ડૉ. બાબા સાહેબ આંબેડકર.
– બંધારણની ઉદેશિકા.
– બંધારણ અને અનામત.
– બંધારણ અને સમરસતા.
– કેશવાનંદ ભારતી મુકદ્દમો.
– વ્યક્તિનો જીવનનો અધિકાર અને ન્યાયમૂર્તિ ખન્ના.
– બંધારણ અને બંધારણીય ફેરફારો.
– ૪૨મો બંધારણ સુધારો. બંધારણ બદલવાનું ષડયંત્ર.
– આપણું રાષ્ટ્ર અને આપણું બંધારણ.
– બંધારણીય રાષ્ટ્રવાદ વિરુદ્ધ અરાજકતા.
– વાંચવાલાયક સંદર્ભ પુસ્તકો.
પુસ્તકના કેટલાક લેખ સાપ્તાહિક ‘વિવેક’ તથા ‘તરુણ ભારત’માં પણ પ્રસિદ્ધ થયેલા છે.
બંધારણ એટલે શું ? તેનું તત્વજ્ઞાન શું ? કેવી રીતે એ તત્વજ્ઞાન પ્રગટ થાય ? તેનો અર્થ કેવી રીતે નીકળે ? ન્યાયાલય તેનું અર્થઘટન કેવી રીતે કરે ? સરકાર બંધારણને કેવી રીતે લાગુ કરે ? બંધારણનો ઇતિહાસ કેવો છે ? અન્ય બંધારણો અને આપણા બંધારણ વચ્ચે સમાનતા શું ? તફાવત શું ? બંધારણ સભાના અને લેખન સમિતિના સભ્ય તરીકે બાબાસાહેબનો શું ફાળો ? બંધારણ રાજકીય તત્વજ્ઞાનનો વિષય કે સામાજિક તત્વજ્ઞાનનો? આવા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉપર એક નાગરિક તરીકે આવશ્યક આત્મમંથન તથા સમાધાન પુરું પાડતું આ પુસ્તક, આપણી બંધારણની સાક્ષરતા વધારનારું છે.