૧૦ ઓગસ્ટ, ૧૯૪૭.. રવિવાર

– સરદાર વલ્લભભાઈ પટેલના ૧,ઔરંગઝેબ રોડ પરના બંગલામાં રોજની જેમ વહેલી સવારે ચહલપહલ શરૂ થઈ ગઈ છે. રાજપૂતાનાની સૌથી મોટી રિયાસતના સ્વામી, અતીતનો છેક ઇ.સ. ૧૨૫૦ થી શરૂ થતો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતા, પચીસ લાખની લોકવસ્તી ધરાવતા અને છત્રીસ હજાર ચોરસ માઈલનો વિશાળ વિસ્તાર ધરાવતા જોધપુર નરેશ યુવરાજ હનુમંતસિંહ અત્યારે અહીં સરદારની મુલાકાતે પધારી રહ્યા છે, મુલાકાતનું સફળ પરિણામ પણ આવે છે, બીજા દિવસે એટલે કે ૧૧ ઓગસ્ટ સોમવારે યુવરાજે વિલીનીકરણ કરારનામા પર સહી કરી દીધી.

– ‘હિંદુ મહાસભા’ આયોજિત સંસદમાં લગભગ બધાએ સ્વીકાર્યું કે બ્રિટિશરોનો વિભાજનનો પ્રસ્તાવ સ્વીકારીને કોંગ્રેસે કરોડો ભારતીયોની પીઠમાં ખંજર ભોંક્યું છે, મુસ્લિમ લીગના ગુંડાઓ સામે કોંગ્રેસ ઘૂંટણીએ પડી ગઈ છે…અંતે બોલવા ઉભા થયેલ વીર સાવરકરને બધાએ મંત્રમુગ્ધ બનીને સાંભળ્યા…

– જેના મુખ્ય અંશ સર્વેની આંખો ઉઘાડનારા હતા..જેમાં તેઓએ કહ્યું કે નેહરુજીએ રક્તપાત ટાળવા વિભાજન સ્વીકાર્યું, એમનો આ તર્ક છેતરામણો સાબિત થયો છે. બધા જ પક્ષના હિંદુઓએ એકત્ર થઈ હિન્દુસ્તાનને ફરી અખંડ કરવા જોતરાઈ જવું પડશે… મુસલમાનો આ દેશના વધુ ટુકડા કરવા માંગે છે, આ દેશમાં બીજા ૧૪ પાકિસ્તાન નિર્માણ થવાનો ભય છે… આપણે સામર્થ્યવાન બની દેશનું વધુ વિભાજન અટકાવવું પડશે… એ સભામાં ભગવો ધ્વજ રાષ્ટ્રધ્વજ બને, હિંદી આપણી રાષ્ટ્રભાષા બને અને ભારત હિંદુ રાષ્ટ્ર બને તેવી એકમુખે માંગણી થઈ…

– પાકિસ્તાનના બંધારણ સભાના અધ્યક્ષપદે બંગાળના જોગેન્દ્રનાથ મંડલના નામનો પ્રસ્તાવ મુકાયો અને તે મંજૂર પણ થયો..

– લાહોરના ‘મીંયા કી હવેલી’ વિસ્તારમાં જ્યાં મુસ્લિમ ગુંડાઓ માટે અનેક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી ત્યાં ૧૪ ઓગસ્ટ પછી એક પણ હિંદુને રહેવા દેવામાં આવશે નહીં તેના પર કાવતરાં ઘડાઈ રહ્યાં હતાં અને બીજી તરફ લાહોરના જ પ્રમાણમાં નાના એવા સંઘ કાર્યાલયમાં પ્રત્યેક હિંદુ-શીખને સુરક્ષિત પૂર્વ પંજાબમાં કેવી રીતે પહોંચાડવા તેની યોજનાઓ પર કામ ચાલી રહ્યું હતું. કાર્યાલય પરની ડૉ. હેડગેવારજી (સંઘ સ્થાપક)ની અર્ધપ્રતિમા સ્વયંસેવકોના અદમ્ય સાહસ, ધૈર્ય અને સકારાત્મક સ્વભાવની સાક્ષી બની રહી હતી…

સંદર્ભ પુસ્તક : તે પંદર દિવસ

ISBN : 978-81-945469-4-8