૧૧ ઓગસ્ટ, ૧૯૪૭.. સોમવાર

– કરાંચીમાં બ્રિટિશ શૈલીમાં બંધાયેલા, વૈભવશાળી રાજમહેલ જેવા દેખાતા એસેમ્બલી ભવનમાં જોગેન્દ્રનાથ મંડલના હંગામી અધ્યક્ષપદે મોહમ્મદ અલી ઝીણા સર્વાનુમતે પાકિસ્તાનની કોન્સ્ટિટ્યૂઅંટ એસેમ્બલીના અધ્યક્ષ ઘોષિત થયા. પ્રથમ ભાષણમાં તેઓ કહે છે, “તમે કોઈ પણ ધર્મના હશો, પાકિસ્તાનમાં તમારા પર કોઈ જ બંધન નહીં હોય.. ધર્મને આધારે કોઈ ભેદભાવ થશે નહીં !” સભાગૃહમાં બેઠેલા મુસ્લિમ લીગના કાર્યકરો વિચારતા હતા કે શું આ માટે પાકિસ્તાન બનાવ્યું છે આપણે ?! (અને હાલના પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિની તો કલ્પના જ કરવી મુશ્કેલ છે)

– કલકત્તામાં સુહરાવર્દી (કટ્ટર મુસલમાન હોવા છતાં પોશાકની બાબતમાં અંગ્રેજોના પગલે ચાલે છે.) ઈચ્છે છે કે મ. ગાંધીજીનું રોકાણ જેટલું વધારે અહીં થાય તેટલું સારું કારણ પાંચ દિવસ પછી પ. બંગાળમાંથી મુસ્લિમ લીગનું શાસન સમાપ્ત થઈ જશે અને અહીંના મુસલમાનોના રક્ષણ માટે ગાંધીજી જેટલું વધારે રોકાય તેમ સારું !? મ. ગાંધીજી સવારની પ્રાર્થના સભામાં ટકોર કરે છે કે આ પ્રાર્થના સભામાં લાગવગ ધરાવતા અને પૈસાદાર લોકોને જ પ્રવેશ મળે છે, સર્વસામાન્ય જનને અહીં જગ્યા મળતી નથી તેવો આરોપ લગાવાય છે !

– દિલ્હીમાં મોહમ્મદ અલી ઝીણાનો ૧૦, ઔરંગઝેબ રોડ પરનો અત્યંત વિશાળ બંગલો (૧૯૩૮ માં તેઓએ ખરીદ્યો હતો) , આ બંગલો હવે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શેઠ રામકૃષ્ણ દાલમિયાજીએ ખરીદી લીધો હતો, ત્યાં આજે ગોહત્યા વિરોધી પરિષદ ભરાઈ છે, જેમાં ‘આ દેશમાં ગોહત્યા બંધ થવી જોઈએ, દેશના વિકાસમાં ગૌવંશની ખૂબ જ મહત્વની ભૂમિકા છે’ તેવો પ્રસ્તાવ પારિત થાય છે. શેઠ રામકૃષ્ણજીના મનમાં એ વાત મક્કમ છે કે ઝીણાનો આ બંગલો જ ગૌહત્યા વિરોધી ચળવળનું કેન્દ્ર સ્થાન બનવો જોઈએ…

– બંગાળની પૂર્વમાં આવેલા જેસ્સોર, ખુલના, રાજશાહી, દીનાજપુર, રંગપુર, નાદિયા, બારિસાલ આ બધાં જ શહેરો જે હિંદુ બહુલતાવાળાં છે, તે બધા વિસ્તારોમાં મુસ્લિમ લીગ વધુ આક્રમક બની હિંદુઓને ત્યાંથી ભગાડી રહી છે… હિંદુ સંસ્કૃતિ જેના કણ કણમાં વસેલી છે અને પૂર્વના વેનિસ તરીકે ઓળખાતા, નદી કિનારે વસેલા બારિસાલમાંથી બધા જ હિંદુઓને હાંકી કાઢવાનું પુરજોશમાં ચાલુ જ હતું.

સંદર્ભ પુસ્તક : તે પંદર દિવસ
ISBN : 978-81-945469-4-8