૧૨ ઓગસ્ટ, ૧૯૪૭.. કમલા એકાદશી..મંગળવાર
– પુનઃ મ. ગાંધીજી સવારની નિત્ય પ્રાર્થના સભામાં કહે છે, “ગોવા, દમણ, દીવ અને પોન્ડીચેરી જે પોર્ટુગીઝ અને ફ્રેન્ચ વસાહતો છે તેઓ પણ ૧૫ ઓગષ્ટે પોતાની સ્વતંત્ર થયાની ઘોષણા કરવાના છે, ત્યાંના ભારતીયો ઉન્મત્ત બન્યા છે! આ એમનું અવિચારી પગલું છે, તેઓ કાયદો હાથમાં લે તે યોગ્ય નથી !”
– પં. જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ જોડે ખુલ્લેઆમ શત્રુતા સ્વીકારનારા કાશ્મીરના પ્રધાનમંત્રી રામચંદ્ર કાકને મહારાજા સેવામાંથી મુક્ત કરે છે અને તેઓને ઘરમાં જ નજરકેદ કરાય છે !
– દિલ્હીમાં શ્રમ મંત્રાલય દ્વારા ડૉ. જીવરાજ મહેતાની ‘ડાયરેક્ટર જનરલ ઓફ મેડિકલ સર્વિસીસ’ તરીકે નિમણૂક થાય છે. તેઓશ્રી મ. ગાંધીજીના વ્યક્તિગત ડોકટર પણ છે.
– લાહોરમાં હુલ્લડોએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે કારણ કોઈએ જાણી જોઈને અફવા ફેલાવી કે રેડકલીફના સીમા આયોગે લાહોરને ભારતમાં સમાવી લેવાનું નક્કી કર્યું છે ! મુસ્લિમ નેશનલ ગાર્ડના ગુંડાઓ તો રાહ જોઈને જ બેઠા હતા…આ લાહોરના રમખાણોની આગ ગુરૂદાસપુર અને લાયલપુર સુધી ફેલાઈ ગઈ…આવા સમયે ઘણા વિસ્તારોમાં સંઘના સ્વયંસેવકોએ અદ્દભુત અને અતુલનીય વીરતા અને હિંમત બતાવી અને લોકોની રક્ષા કરી….
– આ રમખાણો સંદર્ભે ગવર્નર જેનકિન્સ દિલ્હી માઉન્ટબેટનને ટેલિગ્રામ મોકલે છે પરંતુ દિલ્હીના સત્તાધીશોને જાણે આ ઘટનાઓ સાથે કોઈ લેવાદેવા જ ન હતી…
– દિલ્હીના માઉન્ટબેટનના ગવર્નર હાઉસમાં આજનો દિવસ વિશેષ છે..કારણ આજના દિવસે એટલે કે ૧૨ ઓગસ્ટ, ૧૭૬૫ ના દિવસે “અલ્હાબાદ કરાર” દ્વારા અંગ્રેજોનું અખંડ ભારતમાં રાજકીય પ્રતિનિધિત્વ શરૂ થયું હતું. ભલે ઇ. સ. ૧૬૦૦ થી ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ અહીં કામ કરી રહી હતી…આજે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે સેનાની વહેંચણી પર કામ કરી રહ્યા છે…
– કલકત્તા બંદર પર કામ કરતાં મુસ્લિમ ખલાસીઓનાં સંગઠનો ધમકી આપે છે કે કલકત્તાને પાકિસ્તાનમાં નહીં સમાવવામાં આવે તો અમે અચોક્કસ સમયની હડતાલ પર ઉતરી જઈશું !
– મુંબઈમાં દાદર ખાતે રાત્રે એક સેવિકાના ઘરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની બેઠક ચાલી રહી છે. રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રમુખ સંચાલિકા લક્ષ્મીબાઈ કેલકર અર્થાત્ વંદનીય મૌસીજી આવતી કાલે વિમાનમાર્ગે કરાંચી જઈ રહ્યાં છે…ખંડિત સ્વતંત્રતાની આડે ફક્ત ત્રણ રાત્રીનું અંતર રહી ગયું છે… સીમા પર દાવાનળ સળગી રહ્યો છે…પંજાબ જેવા પ્રદેશમાં પ્રશાસન જેવી કોઈ વસ્તુ જ નથી...મરઘાંની જેમ માણસો મારી નાંખવામાં આવી રહ્યા હતા… તેવા સમયે કરાંચીની જેઠી દેવાણી નામની સેવિકાના પત્રમાંની વિકટ પરિસ્થિતિના વર્ણન બાદ મૌસીજીએ ત્યાં જવાનો નિર્ધાર કર્યો છે…
સંદર્ભ પુસ્તક : તે પંદર દિવસ
ISBN : 978-81-945469-4-8