૧૩ ઓગસ્ટ, ૧૯૪૭.. બુધવાર

– આવતીકાલે પાકિસ્તાન બનવાનું છે અને આજ રાતથી તેની ઉજવણી શરૂ થઈ જવાની છે.

– ત્રીજી જૂને વિભાજનનો સ્વીકાર કરનારું આપણા દેશનું નેતૃત્વ, દિલ્હીના રાજકીય વાતાવરણમાં, ૧૪ ઓગસ્ટની રાત્રીની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યું છે. દેશના હિંદુઓ ઉપર થઈ રહેલા ભીષણ અત્યાચારોની તેઓ ઉપર કોઈ જ અસર ન હતી…

– મૌસીજી અને વેણુતાઈ કમળકરનું ટાટા એર સર્વિસનું ૪૦ સીટ ધરાવતું નાનકડું વિમાન જુહુ એરપોર્ટથી કરાંચી માટે ઉડયું… વચ્ચે અમદાવાદ રોકાણ…અધિકાંશ મુસ્લિમ પ્રવાસીઓ વચ્ચે કેવળ બે જ મહિલાઓ…વિમાનમાં જ “પાકિસ્તાન ઝિંદાબાદ” અને “લડ કે લિયા હૈ પાકિસ્તાન, હંસ કે લેંગે હિન્દુસ્તાન” ના નારાઓ લાગવા લાગ્યા… પણ કર્મઠ એવાં સમિતિના મહિલા કાર્યકરોનો આત્મવિશ્વાસ અકબંધ હતો, નિર્ણય પાકો હતો કરાંચી જવાનો…

– મૌસીજીનું વિમાન બપોરે ત્રણ વાગે કરાંચી એરપોર્ટ પર ઉતરે છે, સેવિકાઓ અને સ્વયંસેવકો તેઓને લેવા સુરક્ષા હેતુથી આવ્યા છે અને તે જ સમયે ત્યાંના એરફોર્સના એરપોર્ટ પર માઉન્ટબેટન પાકિસ્તાનના સ્વાતંત્ર્ય સમારોહમાં ભાગ લેવા આવી પહોંચે છે…

– સુદૂર નોર્થ વેસ્ટ ફ્રટિયર પ્રોવિન્સની રાજધાની પેશાવરમાં સરહદના ગાંધી ૫૭ વર્ષીય ખાન અબ્દુલ ગફાર ખાન જે બાદશાહ ખાનના નામે પણ અહીંના પઠાણોમાં પ્રખ્યાત છે તેઓ દુઃખી ઉદાસીન બની એકલા જ બેઠા બેઠા વિચારે છે કે કોંગ્રેસે અમને એકલા-અટૂલા, નોંધારા કરીને પાકિસ્તાની વરુઓ સામે મૂકી દીધા !

– નોર્થ વેસ્ટર્ન સ્ટેટ રેલવેની અમૃતસર તરફ આવતી ગાડીઓ પર હુમલાઓ વધી ગયા. ‘મારો-કાટો સાલો કો’ ના અવાજ સાથે નરસંહાર થતા હતા અને સ્ટેશન માસ્તરો ભયભીત બની જોતા જ રહેતા હતા… ટેલિગ્રાફ કરી આગળ સંદેશા મોકલતા હતા… પંજાબના વર્તમાનપત્રો પરની સેન્સરશીપ હેઠળ આવા કેટલાય સમાચાર દબાઈ ગયા હશે !

– સર્વોચ્ચ ન્યાયાલયના સહયોગી ન્યાયાધીશ સુરતના મધ્યમવર્ગીય પરિવારના હરિલાલ જયકિસનદાસ કનિયાની ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ.

– માઉન્ટબેટનના સ્વાગત માટે પાકિસ્તાનની સ્વતંત્ર દિનની પૂર્વસંધ્યાએ શાહી ખાણું આયોજિત થયું છે, વિશેષ અતિથિઓમાં કેટલાક દેશોના રાજદૂતો અને રાજનેતાઓ પણ હાજર છે, પાણીની જેમ દારૂ પણ પીરસાઈ રહ્યો છે! ઇસ્લામ માટે, ઇસ્લામિક સિદ્ધાંતો માટે જે દેશ ઉભો થઈ જવા રહ્યો છે, તે દેશની નિર્મિતી આ રીતે, દારૂની નદીઓ વહાવીને ઉજવાઈ રહી છે !

– રાત્રિના બરાબર બાર વાગે ઓલ ઇન્ડિયા રેડીઓ, લાહોર પરથી ઘોષણા થાય છે, “અસ્સલામ આલેકુમ, પાકિસ્તાન બ્રોડકાસ્ટિંગ સર્વિસ, હમ લાહોર કેન્દ્ર સે બોલ રહે હૈ…” અને કાયદાકીય દ્રષ્ટિએ, અધિકૃત પાકિસ્તાનનો જન્મ થયો !

સંદર્ભ પુસ્તક : તે પંદર દિવસ.

ISBN : 978-81-945469-4-8