૧૫ ઓગસ્ટ, ૧૯૪૭… શુક્રવાર… ચતુર્દશી, કૃષ્ણ પક્ષ, અધિક શ્રાવણ, વિક્રમ સંવત – ૨૦૦૩.
– આપણી મહાન અને પ્રાચીન માતૃભૂમિ ભારતવર્ષના ત્રણ ટુકડા થઈ ગયા… ભારતનો સ્વતંત્રતા દિવસ, આખી રાત ભારતના વિવિધ શહેરોના લોકોએ શેરીઓમાં ફરીને આનંદ વ્યક્ત કર્યો હતો… આખી રાત કોઈ સૂતું ન હતું… સવારે આવનાર છાપાઓમાં વિવિધ શીર્ષક-મથાળાંઓ લોકો એકબીજાને વંચાવી રહ્યા હતા…
– સવારે નવ વાગે નવા વરાયેલા મુખ્ય ન્યાયાધીશ, પ્રથમ ગવર્નર જનરલ માઉન્ટબેટનને સોગંદ લેવડાવે છે…
– સવારના દસ વાગે અધિકૃત-કાયદાકીય રીતે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ‘અશોક ચક્ર અંકિત તિરંગો’ લહેરાવવાનો શાસકીય કાર્યક્રમ યોજાય છે, હજુ રાષ્ટ્રગીત નક્કી ન થયું હોવાથી લોકોના હૃદયમાં રહેલ “વંદે માતરમ” જ ગગનભેદી અવાજમાં થાય છે…
– સિંગાપોરમાં પણ ભારતની સ્વતંત્રતા નિમિત્તે મોટા પ્રમાણમાં ઘ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન થયું છે પણ રાષ્ટ્રગીત અંગે હજુ પણ લોકોમાં સંભ્રમ છે…ત્યાં “ભારત ભાગ હૈ જાગા..” ગવાય છે…
– લાહોર ખાતે બપોરે બે વાગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંચાલિત ડી. એ. વી. કોલેજના પરિસરમાં રખાયેલ “પંજાબ સહાયતા સમિતિ” ના શરણાર્થી શિબિરમાં એક નાની હોસ્પિટલ પણ ચાલી રહી છે. નિત્ય ક્રમ પ્રમાણે કુલવંત સિંહ બધાનાં ટિફિન લઈને આવતા હતા, પણ આજે હજુ પહોંચી શક્યા નથી ! મોડું થતાં ત્યાંના વિભાગ કાર્યવાહ કુલવંત સિંહની તપાસ કરવા નીકળે છે, તે રસ્તામાં લોહીના ખાબોચિયામાં પડેલ મળી આવે છે, મોટરસાયકલ સાથે બાંધેલા ટીફીનો પણ એ ખાબોચિયામાં પડેલા જુએ છે! મુસ્લિમ નેશનલ ગાર્ડના ગુંડાઓએ તેની નિર્મમ હત્યા કરી નાંખી છે…
– દિલ્હી ઇન્ડિયા ગેટના ખુલ્લા મેદાનમાં સાર્વજનિક સ્થાનમાં બપોરે સાડાચાર વાગે નેહરુજી તિરંગો લહેરાવે છે…
– કલકત્તા ખાતે સાંજની પ્રાર્થના બાદ મ. ગાંધીજી લીંબુનું શરબત લઈ ચોવીસ કલાકના ઉપવાસના પારણા કરે છે…
– ભારત સ્વતંત્ર તો બન્યું પણ ખંડિત થઈને ! માતૃભૂમિ માટે સંઘર્ષ કરનારા નામી-અનામી યુવાનો, વીરગતિ પ્રાપ્ત કરનારા વીરોના સંઘર્ષ કાળનો આ કરુણ અંતિમ દિન છે…
સંદર્ભ પુસ્તક : તે પંદર દિવસ
ISBN ; 978-81-945469-4-8