૨ ઓગસ્ટ,૧૯૪૭. શનિવાર
– દિવસ દરમ્યાન લાહોર, રાવલપિંડી, પેશાવર, ચિત્તગાંવ, ઢાકા, અમૃતસરમાં હિંદુ મુસલમાન વચ્ચે સંઘર્ષ વધી ગયો હતો.
– દિલ્હી, ૧૭ યોર્ક રોડ, ભારતના ભાવિ વડાપ્રધાનના નિવાસસ્થાને મનોનીત વડાપ્રધાન પંડિત નેહરુ રાષ્ટ્રગીતથી લઈ મંત્રીમંડળની પસંદગી સુધીનાં કામોની લાંબી યાદીની સાથે સાથે ૧૫ ઓગસ્ટના મહત્વપૂર્ણ દિવસે પોતાનો પહેરવેશ કેવો હોવો જોઈએ તેની પણ ચિંતામાં હતા.
– સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના સાથી અને કુશળ પ્રશાસક એવા વી. કે. મેનનની સાથે રહી સ્વાતંત્ર્ય દિન પહેલાં બાકી રહી ગયેલાં રાજ- રજવાડાંઓને કેવી રીતે વિલીન કરવાં તેની વ્યૂહરચના ગોઠવી રહ્યા હતા. મોટા અને મહત્વપૂર્ણ રજવાડાં એવા ભોપાલ, હૈદરાબાદ, જૂનાગઢ અને ઇન્દોર હજુ સુધી અનિર્ણાયક હતાં.
– પુણે પાસે ડાબેરી વિચારસરણી ધરાવતો એક સમૂહ પણ વિચારમંથન કરવા એકત્રિત થયો કે સ્વતંત્રતાની આ સંપૂર્ણ પ્રક્રિયામાં પોતાની ડાબેરી વિચારસરણી – સામ્યવાદી વિચારસરણીનું શું ? આ પ્રસિદ્ધ (?) લોકો ભારત વિભાજન અને અમાનવીય હુલ્લડો અંગે હજુ સુધી એક પણ શબ્દ બોલ્યા ન હતા !
– પુણેમાં જ સ્વાતંત્ર્યવીર સાવરકરજીનો સન્માન સમારોહ યોજાયો છે જેમાં તેમણે પ્રચંડ જનમેદની સામે, “ભાગલા માટે કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ જવાબદાર ગણાવી. સાથે દરેકને હિંદુ તરીકે ઓળખાવામાં શરમ શેની ?” તેવું આહ્વાન કર્યું.
– ૨ ઓગસ્ટની આ રાતે અગ્નિની ઊંચે જતી જ્વાળાઓ ચોમેર દેખાવા લાગી…