૭ ઓગસ્ટ, ૧૯૪૭… ગુરુવાર
– ગઈકાલના શ્રી ગુરુજીના વક્તવ્યોનો સારાંશ લગભગ દરેક સમાચારપત્રોએ છાપ્યો હતો, સિંધ પ્રાંતના છેલ્લા પ્રવાસમાં પણ રોજની જેમ શાખા થઈ, વિશાળ મેદાનમાં છ સમૂહ (ગણ) માં સ્વયંસેવકો એકત્ર થઈ કાર્યક્રમો કરી રહ્યા હતા. અનૌપચારિક બેઠકોમાં શ્રી ગુરૂજી આવા તણાવભર્યા, અજંપાભર્યા વાતાવરણમાં ચૈતન્ય રેલાવી રહ્યા હતા. સવારે નવ વાગે કરાંચી તરફ રવાના થતી વખતે આજુબાજુના ગામોમાંથી આવેલા સ્વયંસેવકોની આંખો ભીની થઈ ગઈ, વાતાવરણ ભારે બની ગયું. પરંતુ શ્રી ગુરુજી સામે અનેક કામો મોં વકાસીને ઉભાં હતાં, તે પૂર્ણ કરવાનાં હતાં…
– પાકિસ્તાનના નિર્માણકાર મોહમ્મદ અલી ઝીણા સદાયને માટે ભારત છોડી વાઇસરોયના વિશેષ ડાકોટા વિમાન દ્વારા કરાંચી આવે છે…જેઓ ભવિષ્યમાં ક્યારેય ભારત નથી આવી શકવાના…(૧૧ સપ્ટેમ્બર, ૧૯૪૮ ના રોજ તેઓનું દેહાવસાન થાય છે)
– સંપૂર્ણ ભારતમાં સ્વતંત્રતાના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે નિઝામશાહીનો વિશાળ હૈદરાબાદ પ્રદેશ હજુ પણ ગુલામીના અંધકારમાં જ છે. રઝાકારોના અમાનુષ અત્યાચારો સહન કરી રહ્યો છે… નિઝામ આ પ્રદેશને ભારતમાં વિલીન કરવા નથી ઇચ્છતા, પાકિસ્તાન સાથે ભૌગોલિક રીતે વિલીનીકરણ શક્ય ન બને તો સ્વતંત્ર હૈદરાબાદ રાજ્ય બની રહેવા અંગે ત્રણ દિવસ પહેલાં ઝીણા સાથે નિઝામના પ્રતિનિધિ મંડળે વાટાઘાટો પણ કરી હતી…
– ખંડિત બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળના પ્રથમ રાજ્યપાલ તરીકે ચક્રવર્તી રાજગોપાલાચારીની ઘોષણા થાય છે, જેને શરદચંદ્ર બોઝ બંગાળનું અપમાન ગણી વિરોધ કરે છે…
– દિલ્હીમાં ગોરખા રેજીમેન્ટના અધિકારીઓ કમાન્ડર-ઇન-ચીફને નોંધ કરી આપે છે કે ગોરખા રેજીમેન્ટની એક પણ બટાલિયાન પાકિસ્તાન જવા ઉત્સુક નથી, અમે બધા ભારતમાં જ રહીશું…
– લાહોરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના ધર્મપત્ની સુચેતા કૃપાલાણી સિંધી મહિલાઓ સાથેની એક બેઠકમાં કહે છે કે તમે સ્ત્રીઓ લો નેકનું બ્લાઉઝ પહેરો છો, પારદર્શક સાડી પહેરો છો, તેથી મુસલમાન ગુંડાઓની નજર તમારા પર જાય છે અને તેથી તેઓ નૃશંસ, પિશાચી અત્યાચારો કરે છે ! ભય અને અરાજકતા ભર્યા વાતાવરણમાં એકત્ર થયેલી મહિલાઓ આ વર્તાવથી વધુ ગભરાઈ જાય છે…
– લખનૌમાં સંયુક્ત પ્રાંતના વિધિમંડળના અધિવેશનમાં વિધિમંડળના પ્રધાન ગોવિંદ વલ્લભ પંત ગુલામગીરીનાં ચિહ્નો ભૂંસી નાખવાનું એક બિલ રાજુ કરે છે, પણ દુર્ભાગ્યે સ્વતંત્ર ભારતની પ્રથમ સરકાર આમાં કશું જ આગળ વધતી નથી !
– મ. ગાંધીજીની પટના જઇ રહેલી ટ્રેન જે જે સ્ટેશને ઉભી રહેતી ત્યાં અધિકાંશ લોકો એક જ પ્રશ્ન કરતા – બાપુ, આ હુલ્લડો/રમખાણો ક્યારે બંધ થશે ?!
સંદર્ભ પુસ્તક : તે પંદર દિવસ
ISBN : 978-81-945469-4-8