૮ ઓગસ્ટ, ૧૯૪૭…શુક્રવાર
– વિશાળ અને વૈભવશાળી રજવાડા જોધપુર સ્ટેટે પાકિસ્તાનનાં બધાં જ પ્રલોભનો ત્યજીને ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો. પાકિસ્તાનની ફક્ત કોરી વાતો અને ખોખલાપણું ધરાવતાં આશ્વાસનોની વાસ્તવિકતાથી જોધપુરના યુવા મહારાજા જોધપુર નરેશ હનુમંતસિંહને વાકેફ કરી, પોતાનું રાજ્ય ભારતમાં વિલીન કરવા માટે તૈયાર કરવામાં અને ગંભીર કટોકટીનો પ્રસંગ હેમખેમ પાર પાડવામાં જોધપુરના દીવાન શ્રી સી. એસ. વેંકટાચારે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી…
– મુંબઈમાં હિંદુ મહાસભાના આગેવાનો ખંડિત હિન્દુસ્તાનની કલ્પના જ સહન નથી કરી શકતા, તેથી બીજા દિવસે દિલ્હીમાં થનારી તેઓની રાષ્ટ્રીય બેઠકમાં સામેલ થવા રવાના થાય છે…
– વિદેશમાં ઇંગ્લેન્ડનો શીખ સમુદાય ભારતમાં શીખ સમુદાય પર થઈ રહેલા અમાનુષી અત્યાચારોથી ક્રોધે ભરાઈ, એકત્ર થઈ વડાપ્રધાન એટલીને નિવેદન સોંપે છે…
– બંગાળમાં મુસ્લિમ લીગના ‘ડાયરેક્ટ એકશન ડે’ ના એક વર્ષ બાદ ફરીથી તેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, દંગલખોરો પર કોઈ કાર્યવાહી નથી થઈ રહી અને આવી સ્થિતિમાં નવા નિમણૂંક પામેલા ગવર્નર રાજાજી આ પરિસ્થિતિ પ્રત્યે ધ્યાન આપશે કે કેમ તેની સ્થાનિક હિંદુઓને શંકા ઉભી થઈ !
– પંજાબ, સિંધ, બંગાળ, નિઝામ, પેશાવરનો પર્વતીય પ્રદેશ જેવા ભૂભાગ… આજે રાતે બરાબર ઊંઘી નથી શકતા… કારણ… આવતા શુક્રવારે, આ અખંડ ભારતના ત્રણ ટુકડા થવાના છે અને એમાંથી બે દેશ બનવાના છે !
પુસ્તક સંદર્ભ : તે પંદર દિવસ
ISBN : 978- 81-945469-4-8