૬ ઓગસ્ટ, ૧૯૪૭.. બુધવાર.

– વાહ કેન્ટ શરણાર્થી કેમ્પના એક બંગલામાં રાત્રીરોકાણ કરી મ. ગાંધીજીનો કાફલો રાવલપિંડીના માર્ગે લાહોર જવા રવાના થયો…

– તે જ સમયે કરાંચીમાં શ્રી ગુરુજીએ વહેલી સવારે ચાર વાગે ઉઠી, સવારે છ વાગે પ્રભાત શાખામાં જઈને પ્રાર્થના કરી, પ્રમુખ કાર્યકર્તાઓની નાની બેઠક લીધી, હિંદુ-શીખ પરિવારોના સુરક્ષિત સ્થળાંતરની યોજનાની ચર્ચા કરી. આ બધી જ બાબતો આબાજી થત્તે નોંધી રહ્યા હતા. સવારે નવ વાગે ૯૪ કિમી દૂર સિંધ-હૈદરાબાદ તરફ રવાના થયા. રસ્તામાં પ્રાંત પ્રચારક રાજપાલજી અહીંની ભયાનક પરિસ્થિતિનો ચિતાર શ્રી ગુરુજી સામે રજૂ કરી રહ્યા હતા…

– સિંધ-હૈદરાબાદ પહોંચી બપોરના ભોજન બાદ પણ શ્રી ગુરુજીએ વિશ્રાંતિ ના કરી, કાર્યકર્તાઓ સાથે વાતચીતમાં નેહરુજીનો કિસ્સો સાંભળ્યો…કે એક વર્ષ પહેલાં ૧૯૪૬ માં હૈદરાબાદમાં નેહરુજીની સભામાં મુસ્લિમ લીગના ગુંડાઓ તોફાનો કરવાના હતા. તે સમયે કોંગ્રેસી આગેવાનોએ સંઘને વિનંતી કરી હતી અને સંઘે પડકાર ઝીલી બધી જ સુરક્ષા પુરી પાડી હતી. વિશાળ સભામાં કોઈએ કાંકરીચાળો ન કર્યો…
સાંજે સ્વયંસેવકોના વિશાળ એકત્રીકરણમાં પણ શ્રી ગુરુજીએ આત્મવિશ્વાસ જગવતાં કહ્યું કે નિયતીએ ખૂબ મોટી જવાબદારી સંઘના ખભા પર નાંખી છે, આપણે પ્રાણની બાજી લગાવીને, જીવ હથેળીમાં લઈને કામ પાર પાડવું પડશે. ધીરજ ધરીને સંગઠનના માધ્યમથી આપણે પુરુષાર્થ કરીશું… શ્રી ગુરુજીના હૃદયમાંથી નીકળેલા આ શબ્દો દરેકનામાં શક્તિસંચાર અને આત્મવિશ્વાસ નિર્માણ કરી રહ્યા હતા.

– મુંબઈમાં ડૉ. બાબાસાહેબને કેન્દ્રીય મંત્રીમંડળમાં કાયદા વિભાગ ફાળવાશે તેવું સ્પષ્ટ થયું હતું, તે ધાંધલધમાલ વચ્ચે તેઓએ એકાંત ઉભું કરી મંથન શરૂ કર્યું…વિભાજન અને કોંગ્રેસના આગેવાનોની જીદથી તેઓ ઘણા વ્યથિત હતા. નિર્દોષ લોકોની ખુવારીથી દુઃખી હતા…

– રાત્રી દરમ્યાન શ્રી ગુરુજી સિંધ-હૈદરાબાદમાં હિંદુઓના ભવિષ્ય માટે યોજના બનાવી રહ્યા હતા.

– તે રાત્રે જ મ. ગાંધીજી લાહોર થી રેલમાર્ગે પટના જવા નીકળ્યા…

સંદર્ભ પુસ્તક : તે પંદર દિવસ

ISBN : 978-81-945469-4-8