૫ ઓગસ્ટ, ૧૯૪૭..મંગળવાર

– મ. ગાંધીજી શ્રીનગરથી અમૃતસર પરત જઈ રહ્યા છે. રાવલપિંડીથી લાહોરના રસ્તે, રસ્તામાં વાહ કેન્ટ નામનું નાનકડું ગામડું, હિન્દુ શરણાર્થી હવે ઘણા ઓછા બચ્યા હતા…એક સમયે પંદર હજાર શરણાર્થી અહીં હતા…શરણાર્થી અનેક યાતનાઓમાંથી પસાર થઈ રહયા હતા. આવી અસુવિધાઓ અને ગંદકીથી ખદબદતી યાતના શિબિરની મુલાકાત ગાંધીજીએ લીધી. સ્વાભાવિક રીતે જ દરેક શરણાર્થીને કોંગ્રેસ અને ગાંધીજી પ્રત્યે ચીડ અને ગુસ્સો હતા. ગાંધીજીનું સર્વેને આશ્વાસન હતું કે હુલ્લડોથી ડરશો નહીં, તમે અહીં પાકિસ્તાનમાં સુરક્ષિત છો… મનમાંથી ડર કાઢી નાંખજો..!!

– લાહોર (પ્રભુ રામચંદ્રજી પુત્ર લવ દ્વારા સ્થપાયેલું શહેર, મહારાજા રણજીતસિંહનું શહેર, અનેક મંદિરો ગુરુદ્વાઓનું શહેર) શહેર જ્યાં સંઘ શાખાની સંખ્યા ૨૫૦થી વધુ પહોંચી ગઈ હતી ! પણ છેલ્લા બે માસમાં એક લાખ લોકોએ લાહોર છોડ્યું હતું… મુસ્લિમ લીગના ઘ્વજ ધરાવતા ‘મુસ્લિમ નેશનલ ગાર્ડ’ ના લોકોની આક્રમકતા, ગુંડાગીરી અને ધાકધમકી તીવ્ર થઈ ગઈ હતી. આવા લાહોરની ટૂંકી મુલાકાતે ગાંધીજી આવતીકાલે પધારવાના છે.

– બપોરે એક વાગે સિંધના કરાંચી એરપોર્ટ પર શ્રી ગુરુજી અને આબાજી થત્તેનું આગમન થયું. શિસ્તબદ્ધ સ્વયંસેવકોનો એક કાફલો તેઓને સત્કારવા અને વ્યવસ્થા માટે ત્યાં એકત્ર થયો હતો. તેમાં કરાંચી મહાનગરના વિભાગ કાર્યવાહ શ્રી લાલકૃષ્ણ અડવાણીજી પણ હાજર હતા. સાંજે પાંચ વાગે જ “ભારત માતાકી જય” ના જયઘોષ વચ્ચે ૧૦૦૦૦ સ્વયંસેવકોનું પ્રભાવી પથસંચલન થયું. સાંજે સાત વાગે કરાંચીના મુખ્ય ચોકમાં શ્રી ગુરુજીની વિશાળ જાહેરસભા થઈ. તેઓના ટૂંકા ઉદબોધનથી એ ઐતિહાસિક સભા ધ્રુજી ઉઠી હતી, આપણો ગૌરવશાળી ઇતિહાસ યાદ કરાવીને અને મા ભારતી પર આવેલ સંકટનો ઉલ્લેખ કરીને મક્કમતાથી કહ્યું કે “સપ્તસિંધુનો આ ભારતીય સંસ્કૃતિ ધરાવતો પ્રદેશ આપણે છોડી દેવો પડશે. આ સમયમાં બધા હિંદુઓએ એકબીજાની સંભાળ લેવાની છે… સંકટના આ દિવસો પણ ચોક્કસ પુરા થશે…”

– પાકિસ્તાનની હંગામી એવી રાજધાની કરાંચી, જે નવ દિવસ બાદ પાકિસ્તાનમાં જ સામેલ થઈ જવાની હતી ત્યાં સંઘે સાહસનાં દર્શન કરાવ્યાં, પુરુષાર્થ કરી હિંદુઓમાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કર્યો સાથે સાથે તોફાની હુલ્લડખોર મુસલમાનોને એક કડક સંદેશો પણ પહોંચાડ્યો…

– ઘણા શહેરો હિંસાના દાવાનળમાં હોમાઈ રહ્યા હતા તે સમયે કરાંચી મુકામે એક તપસ્વી (શ્રી ગુરુજી) વિભાજનના વિકરાળ સમયમાં પ્રત્યેક હિંદુની સુરક્ષાને લઈને વ્યવસ્થાની ગોઠવણીમાં, આયોજનમાં વ્યસ્ત હતા.

પુસ્તક સંદર્ભ : તે પંદર દિવસ

ISBN : 978-81-945469-4-8